શ્રી અખંડજ્યોતિ સ્વરૂપ અંબેમાઁની વાર્તા !

શ્રી માતાજીએ સાથે જવા સંમતિ આપી કહ્યું “આ જ્યોતિમાં થી જ્યોત પ્રગટાવી હાથમાં લઈ તારે ચાલતા થવું.માર્ગ માં આપણને કોઈ રોકે,જ્યોત નું પૂજન કરે, તે ઠેકાણે સ્નાન કરવા પવિત્ર જળ હોય તેમજ ત્યાંનાં માણસો અખંડજ્યોત રાખવા સંમત થાય તો તે સ્થળે મને બિરાજમાન કરી તારે મારી સેવા ત્યાજ કરવી.” ભક્ત માતાજી સાથે સંમત થયા.શ્રી લલ્લુરામજીએ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી જમણા હાથમાં જ્યોત રાખી શ્રી જય અંબે માં જય અંબે ગાતા ગાતા આરાસુર થી મહેમદાવાદ પોતાના વતન જવા પ્રયાણ કર્યું.શ્રી અંબાજી માતાએ તેજ સમયે અંબાપુર ગામના આગેવાનોને સ્વપ્નામાં પ્રેરણા આપી કે,”તમારા ગામે થઈ જે ભક્ત મને સ્નાન કરવા જતાં તમારા ગામની વાવ પર આરામ કરે છે તેને આધીન થઈ તેના સાથે આવવાનું મે વચન આપેલ છે.પરંતુ તમારા ગામમાં અખંડ જ્યોત કાયમ જલતી રાખો તો તમારા ગામે રોકાઈ જઈશ.” આગેવાનો સવારમાં વહેલા ઊઠીને તરતજ ભેગા થયાને એક-બીજાને આવેલ સ્વપ્નની વાત કરી.આ વાત પવન વેગે ગામમાં ફેલાઈ ગઈ.ગામના બધાજ માણસો ભેગા થયા.સ્વપ્ના સાચું પડશે કે કેમ ? તે જાણવા જોવા ભાવવિભોર બની ગયા.ગામ આગેવાનોની અપીલથી અખંડ જ્યોત રાખવાનું વચન ગામ લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધું અને ભક્તની રાહ જોતાં સૌ વાવ પાસે જય અંબેની ધૂન લગાવી બેસી ગયા. ભક્તને દૂરથી દેખતાની સાથે જ ગામ નાગરિકો એ ઢોલ,નગારા ને શરણાઈના સૂરો સાથે ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદ થી સામે દોડતા જઈ ભક્તનું ભાવભીનું અભિવાદન કર્યું ને બનેલી વાત કરી ને ભક્ત સમક્ષ અખંડ જ્યોત રાખવા પ્રતિજ્ઞાબદ્ધ થયાને માતાજી ને રાખવા તત્પરતા બતાવી શ્રી જગદંબાની અંબાપુર ગામે પધરામણી થઈ. શ્રી લલ્લુરામજીએ જનતાના સાથ સહકારથી સંવત ૧૯૨૯માં અંબાજી માતાનું મંદિર બંધાવ્યું.મંદિર બંધાવ્યું પછી ગામના આગેવાનો વિચારવા લાગ્યા કે, માતાજીની મૂર્તિ ક્યાં મળતી હશે.વિચારતા વિચારતા સંવત ૧૯૩૦ની ચૈત્ર સુદ ૮ આવી ત્યારે માતાજીનું નામ લઈ હવન કર્યા.છતાં મૂર્તિ લાવવાનું સ્થળ ના જડતા મહંતશ્રી ચિંતિત બન્યા. શ્રી માતાજીએ જયપૂરમાં મૂર્તિઓના શિલ્પી સૂરજભાણને પ્રેરણા આપી કે “ગુજરાત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સાબરમતી ગામની ઉત્તરે પાંચ માઈલે બુરથલ ગામ છે.ત્યાં મારી મૂર્તિને મોકલી આપ.”સ્વપ્નનો માતાજીનો આદેશ સાચો માની સુરજભાણજી સંવત ૧૯૩૦ની વૈશાખ સુદ ૩ ના રોજ માતાજીની મૂર્તિ લઈ આવ્યાને બનેલી વાત જણાવી.ખર્ચની રકમ મહંત શ્રી તરફથી આપવાની વાત થતાં ફક્ત આશીર્વાદ લઈ શિલ્પકાર ગયા. શ્રી અખંડ જ્યોતિ સ્વરૂપ જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૧૯૩૦ વૈશાખ વદ પાંચમના દિવસે કરી હતી.